સમજ્યા વગર …ખલીલ ધનતેજવી

જુલાઇ 23, 2011 પર 2:53 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 1 ટીકા
ટૅગ્સ: , ,

મિત્રો,   મને  ગમતી ગઝલો પૈકીની એક ગઝલ.. અને  આમ પણ  હું ખલીલ સાહેબ માટે  થોડો વધારે પક્ષપાતી રહ્યો છું .. લાંબી  વાતો કર્યા વગર  આવો સીધી ગઝલને  માણીયે..

ગઝલ….

ખલીલ ધનતેજવી…

લય  વગર,  શબ્દો વગર,  મત્લા  વગર

હું  ગઝલ  લખતો  રહ્યો   સમજ્યા વગર

તેં    તો    તારો   છાંયડો    આપ્યો   મને

હું   જ   ના   જંપી  શક્યો   તડકા   વગર

કેદ   છું   ભીંતો    વગરના    ઘરમા     હું

સંત્રી  પણ   ઊભો    છે  દરવાજા  વગર

સરહદો     સૂની      હશે      તો     ચાલશે

શ્હેરમાં    ચાલે    નહીં    પહેરા      વગર

મોરને    કો’    બાજપક્ષી     લઇ      ગયું

સીમ   સૂની     થઇ   ગઇ    ટહુકા  વગર

કોક     દિ’     દીવો    પવન   સામે   મૂકો

કોક  દિ’  ચલાવી  લો  અજવાળા   વગર

(શબ્દ સૌજન્ય:    ખલીલ  સાહેબના  ગઝલ સંગ્રહ  ‘સારાંશ’   માંથી)


Advertisements

ક્યાંથી લાવશો.ખલીલ ધનતેજવી

માર્ચ 16, 2011 પર 5:01 પી એમ(pm) | Posted in મને ગમતી ગઝલો.. | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, મને ગમતી ગઝલોમાની એક ગઝલ.. જેને મુશાયરાના મંચ પરથી ખલીલસાહેબના  પહાડી  અવાજમા   સાંભળી ચુક્યો છું ..  અને…  મિત્રો  એ  તો  જેમણે ખલીલ સાહેબને  મુશાયરામા સાંભળ્યા હોય ને! તે..નેજ  ખબર..અને  આમેય મારો ખલીલ સાહેબ માટેનો પ્રેમ અને પક્ષપાત એતો જાણીતા છે જ. મારા બ્લોગની પ્રસ્તાવના વાંચશો તો આપોઆપ સમજાઇ  જશે ..”માતૃભાષા મહોત્સવ” ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત કવિ સંમેલન વડોદરા તા: ૧૪/૦૩/૨૦૧૧.કાર્યક્રમના  સંચાલક  કવિ શ્રી મકરંદ મુસળેએ  તેમની આગવી  લાક્ષણિકતાથી  શ્રોતાઓને  રસ નીતરતા  અંત સુધી  જકડી રાખેલા.    સિતાંશુ યશશ્ચંદ્ર, ખલીલ ધનતેજવી, હર્ષદ ત્રિવેદી, રશીદ મીર, મકરંદ મુસળે, દિનેશ ડોંગરે ‘નાદાન’ કિર્તિકાંત પુરોહિત,  નીરવ વ્યાસ,  મનહર ગોહિલ ‘સુમન’  રતિલાલ સોલંકી  અને અન્ય કવિઓએ  કાવ્યપઠન દ્વારા  શ્રોતાઓની  ભારોભાર દાદ  મેળવી હતી.  તો આવો મિત્રો ખલીલ સાહેબની  એક  ગઝલને  માણીએ..

માઇક્રોફોન પર  જનાબ ખલીલ ધનતેજવી  તેમના અસલી મિજાજમા

(ફોટો સૌજન્ય:  કવિ શ્રી મકરંદ મુસળે   ના આલ્બમ માંથી)

સુખચેન   તો    કર્તવ્ય   વગર    ક્યાંથી  લાવશો

તમને  દુવા  તો   મળશે   અસર ક્યાંથી લાવશો

બંગલો    તો   ઓછેવત્તે   ગમે   ત્યાં   મળી   જશે

ઘર, ઘર   કહી   શકાય   એ   ઘર ક્યાંથી લાવશો

શત્રુ    તો    ઉઘાડો    છે     છડેચોક            દોસ્તો

મિત્રોને    પારખે  એ    નજર   ક્યાંથી     લાવશો

શંકરની    જેમ   નાગને    મફલર     કરી      શકો

પણ ઝેર પી જવાનું    જિગર    ક્યાંથી    લાવશો

મંજિલ  ‘ખલીલ’  આવશે       રસ્તામા ક્યાંક પણ

સથવારો   હોય  એવી    સફર    ક્યાંથી   લાવશો

ખલીલ સાહેબના  ગઝલસંગ્રહ  ‘સારંશ’ માંથી::::

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: