કવિદંપતી ડો.અશરફ ડબાવાલા અને ડો.મધુમતી મહેતા

જાન્યુઆરી 12, 2013 પર 11:46 પી એમ(pm) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મને ગમતી ગઝલો.. | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , , , , ,

      મિત્રો,  ઘણા લાંબા સમય પછી  ફરી આજે બ્લોગ પર કામ કરવા બેઠો છું. વાત જાણે એમ છે કે શિકાગો સ્થિત  કવિદંપતી ડો.અશરફ ડબાવાલા  અને ડો.મધુમતી મહેતા  અનુક્રમે  તેમના  બીજા અને  પહેલા કાવ્યસંગ્રહનુ  લોકાર્પણ આવનારા દિવસોમા મુંબઇ અને ગુજરાતના ઘણા બધા શહેરોમા  કરવાના છે. શિકાગોમા તો મારી  હાજરી  અચુક હોય જ … પણ ખેર..શિકાગો અને મારા અંગત સંબધના  નાતે પણ આ  વાતની ખુશીને  તમારી  સાથે  share  કરવાની લાલચને રોકી નથી શકતો..  આપ   આ પૈકીના  કોઇ પણ નજીકના શહેરમા હોવતો  આવસર ચુકવા જેવો નથી..  આ  કવિદંપતી અહી  શિકાગોમા ઘણા વખતથી શિકાગો આર્ટ સર્કલ નામની સંસ્થાના પરામર્શક રહ્યાછે.   શિકાગો આર્ટ સર્કલના સભ્ય  તરીકે  અને  મારી પાસેના   અંગત   collection   માથી  થોડી વિડીયો ક્લીપ અંહી અત્રે પ્રસ્તૃત છે .. બસ બાકીતો આપ  ગીત ગઝલ અને કવિતા ના ચાહકો અને ભાવકો  હિન્દુસ્તાનમા શક્યતા અને અનુકૂળતાના આધારે ક્યાંક ને ક્યાંક આ જલસામા શરીક થવાના છો એનો  આંનદ છે … કાર્યક્રમની  સફળતા માટેની શુભેચ્છા સાથે  મારી ગઝલનો શેર યાદ આવે છે …

દુર દિલથી ક્યાં કદી ‘સ્પંદન’ તમારાથી ગયો છે

હાજરી  મારી તમોને   લાગશે  મારા વગર  પણ

                                                                ભરત દેસાઇ.. ‘સ્પંદન’

Ad_Ashraf_Dabawala_cc

(અશરફભાઇ  એમની લાક્ષણિક અદામા )

   

(મધુબેન  કાવ્યપઠનની હળવી પળોમા) 

Invi_Card_-_Ashraf_Dabawala_&_Madhumati_Mehta-6_Page_1

Invi_Card_-_Ashraf_Dabawala_&_Madhumati_Mehta-6_Page_3

Invi_Card_-_Ashraf_Dabawala_&_Madhumati_Mehta-6_Page_4

Invi_Card_-_Ashraf_Dabawala_&_Madhumati_Mehta-6_Page_2

Advertisements

ભલા માણસ.. નીરવ વ્યાસ

સપ્ટેમ્બર 15, 2011 પર 4:03 પી એમ(pm) | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મને ગમતી ગઝલો.. | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , ,

        મિત્રો….,  મારો કવિમિત્ર નીરવ વ્યાસની  મને ગમતી એક ગઝલ .. સાવ સરળ અને બોલચાલની  ભાષાને શબ્દો ની સજાવટ દ્વારા  ખૂબસૂરતી  મળે  અને  ત્યાર પછી    તે સર્જનની મજા  ખરેખર  બેવડાઇ જતી હોય છે.

નીરવ વ્યાસ 

ગઝલ…

બધાની પોતપોતાની જ આદત છે !  ભલા માણસ

રડે  છે  એ  ય  કે  જેના  શિરે  છત છે ! ભલા માણસ

ખબર  એવી’ય  છે  કે તાજને માથે  છે  કંઇ જોખમ

અમારું ઝુંપડું પણ  ક્યાં સલામત છે?  ભલા માણસ

જુબાની નહિ, પુરાવા નહિ, અમારાં કંઇ ખુલાસા નહિ

તમારી  તો  અજબ  આ  અદાલત  છે! ભલા માણસ

હજારો    દાવેદારી    છે  તમારી  થોડી   મિલક્તમાં

અમારી  પાસે  શબ્દોની  રિયાસત છે !ભલા માણસ

કહી   દો છો   ઉઘાડેછોગ  ‘નીરવ’ જે  વિચારો    છો

ઘણા લોકોની એવી પણ શિકાયત છે! ભલા માણસ

(શબ્દ સૌજન્ય:  ‘ધબક’ ગઝલ માસિક માંથી )

આદમ થી શેખાદમ સુધી…

ઓગસ્ટ 8, 2011 પર 4:53 એ એમ (am) | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મને ગમતી ગઝલો.. | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

          મિત્રો, મને ગમતા શાયરો  પૈકીના એક  જનાબ શેખાદમ આબુવાલા…  બોલચાલની ભાષાને ગઝલની નાનકડી પંક્તિમા શણગારવાનું  કામ કરનાર શાયરોમાં શેખાદમ સાહેબનું સ્થાન મોખરે છે એમ કહી શકાય.. જો કે  મને એમને જોવા, મળવાનો કે સાંભળવાનો  મોકો મળ્યો નથી…  આવો   એમની એક ગઝલને માણીયે…

 

 શેખાદમ  આબુવાલા 

માનવી  ને   આ   જગત  આદમથી  શેખાદમ સુધી !

એ   જ   દોરંગી    લડત    આદમથી  શેખાદમ સુધી !

રૂપનું    રંગીન    ગૌરવ,   પ્રેમનો    લાચાર    હાલ-

એ  જ  છે   લાગી  શરત    આદમથી  શેખાદમ સુધી !

મોતને     શરણે    થવામા   સાચવે    છે      રમ્યતા

જિંદગીની    આવડત    આદમથી  શેખાદમ  સુધી !

બુધ્ધિ     થાકી    જાય     તો    લેવો   સહારો    પ્રેમનો

સારી   છે  આ  બૂરી    લત  આદમથી શેખાદમ સુધી !

મોતનું    બંધન,    છતાં     કરતો    રહ્યો   છે   માનવી,

જિંદગીની       માવજત      આદમથી  શેખાદમ સુધી !

(શબ્દ સૌજન્ય: ગુજરાતી પ્રતિનિધિ ગઝલો – સંપાદક:  ચિનુ મોદી)

  (ફોટો સૌજન્ય:  ફેશબુક  આલ્બમ..  “આ છે હિન્દુસ્તાની” )

સમજ્યા વગર …ખલીલ ધનતેજવી

જુલાઇ 23, 2011 પર 2:53 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 1 ટીકા
ટૅગ્સ: , ,

મિત્રો,   મને  ગમતી ગઝલો પૈકીની એક ગઝલ.. અને  આમ પણ  હું ખલીલ સાહેબ માટે  થોડો વધારે પક્ષપાતી રહ્યો છું .. લાંબી  વાતો કર્યા વગર  આવો સીધી ગઝલને  માણીયે..

ગઝલ….

ખલીલ ધનતેજવી…

લય  વગર,  શબ્દો વગર,  મત્લા  વગર

હું  ગઝલ  લખતો  રહ્યો   સમજ્યા વગર

તેં    તો    તારો   છાંયડો    આપ્યો   મને

હું   જ   ના   જંપી  શક્યો   તડકા   વગર

કેદ   છું   ભીંતો    વગરના    ઘરમા     હું

સંત્રી  પણ   ઊભો    છે  દરવાજા  વગર

સરહદો     સૂની      હશે      તો     ચાલશે

શ્હેરમાં    ચાલે    નહીં    પહેરા      વગર

મોરને    કો’    બાજપક્ષી     લઇ      ગયું

સીમ   સૂની     થઇ   ગઇ    ટહુકા  વગર

કોક     દિ’     દીવો    પવન   સામે   મૂકો

કોક  દિ’  ચલાવી  લો  અજવાળા   વગર

(શબ્દ સૌજન્ય:    ખલીલ  સાહેબના  ગઝલ સંગ્રહ  ‘સારાંશ’   માંથી)


એ પણ સાચું..આ પણ સાચું

જુલાઇ 18, 2011 પર 4:38 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 1 ટીકા
ટૅગ્સ: , ,

મિત્રો,  (રાજેશ વ્યાસ)  મિસ્કીન  સાહેબની મને ગમતી ગઝલો પૈકી ની  આ એક ગઝલ  ઘણા વખતથી  બ્લોગ પર મૂકવાનુ વિચારી રહ્યો હતો.. આ  સાચું  અને  આ  ખોટુ..  આ  બાબત ને બયાન  કરવી  હોય તો કદાચ  બહુ સહેલાઇથી   આલેખી  શકાય..  પણ    આ અને   પેલું બેઉ  સાચું  એમ જ્યારે   પ્રતિપાદિત  કરવુ હોય.. ત્યારે સમર્થ   દાવા દલીલોનો  પૂરો  અવકાશ  રહે છે.  મિસ્કીન સાહેબે  આ વાતને   ગઝલમા આબેહૂબ   નિભાવી છે……  બહોત  અચ્છે … મિસ્કીન .. ક્યા..બાત હૈ..


રાતદિવસ  કૈ  લાગે  હરપળ એ પણ સાચું  આ પણ સાચું

અંધારે આ  કેવી ઝળહળ !  એ  પણ સાચું  આ પણ સાચું

ભીતર શું  ય ગયું દેખાઇ ?  ભણતર સઘળું  ગયું ભુલાઇ

કહેતો ફરું છું સૌ ને આગળ  એ પણ સાચું  આ પણ સાચું

અપમાનિત  કે  સમ્માનિત  હો  બેઉ  ખેલ છે  બંને ખોટાં

કાં તો સ્વીકારી લે   હરપળ  એ પણ  સાચું આ પણ સાચું

સપના માંથી જાગ્યો જ્યારે  એ પળમાં મૂંઝાયો   ભારે

અંદર- બાહર  આગળ પાછળ  એ પણ સાચું આ પણ સાચું

કોઇ  ‘કાલ’  મા  શું  બંધાવું ?  કેવળ  ખળખળ વહેતા  જાવું

‘મિસ્કીન’ આનું નામ છે અંજળ..  એ પણ સાચું આપણ સાચું

કોણ અંહી કોનું ને ક્યાં  લગ ?  સઘળું નિશ્ચિત  છંતાય લગભગ

 ‘મિસ્કીન’ એનું નામ છે  અંજળ.. એ પણ સાચું આપણ  સાચું

(શબ્દ સૌજન્ય:  શબ્દ સૂરને મેળે  ગુજરાત સમાચાર  પૂર્તિ)                                                                                                      (ફોટો સૌજન્ય : મિસ્કીન સાહેબના ફેશબુક Profile  માંથી)

અકબંધ રાખજે.. કિર્તિકાંત પુરોહિત

એપ્રિલ 23, 2011 પર 6:23 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,

મિત્રો, મને ગમતી ગઝલ અંતર્ગત એક ગઝલ. તમારી જોડે share  કરી રહ્યો છું. મારા પરદેશી અણગમાના અનુસંધાન અન્વયે  પુરોહિત સાહેબે મને આ ગઝલ સંભાળાવેલી..રુબરુમા કે ટેલીફોનીક વાતચીતમા એ મને બરાબર યાદ નથી.પણ આજે આ ગઝલની વીડિયો  નેટ પર ફરતા ફરતા શબ્દસેતુ ટોરેન્ટો.ના ભંડોળમાથી મળી આવી. શબ્દો.. ગુર્જર કાવ્યધારા.. ની વેબપરથી સીધી જ કોપીપેસ્ટ કરેલી છે..   મારી સાથે  આ ગઝલને તમારા બધા સાથે  share  કરું છું.

http://www.youtube.com/watch?v=EU2iftTTFEs

વિશ્વની     સાથે    ભલે  સંબંધ રાખજે

આંગણે   પાછો     ફરે    પ્રબંધ  રાખજે

જ્યાં   ગુલાંટો   ખાઇ   બેઠા થયા હતા

એ વતનના પ્યારને અકબંધ રાખજે

વિંટળાઈ   જોખમો   પગમાં નડે સદા

તું વિસામા   શોધવાનું    બંધ રાખજે

એનું છે અસ્તિત્વ જો તારી  હયાતિ છે

નાળ   જોડી રાખજે,   અનુબંધ રાખજે

સળવળ્યો માળો થયું ચીં-ચીં બખોલમાં

બારીઓ    ખોલી   હવા   નિર્બંધ રાખજે

દેહ   માટીનો    ઘડો છે   એ   કબૂલ   છે

પણ   ઘડાને   તું     ટકોરાબંધ    રાખજે

‘કીર્તિ’ ને અપકીર્તિ  બે, સિક્કાની બાજુઓ

લોક   ઉછાળે  નહીં,   પ્રતિબંધ રાખજે.

                        કિર્તિકાંત પુરોહિત

વીડિયો સૌજન્ય :શબ્દસેતુ ટોરેન્ટો                           સૌજન્ય:ગુર્જર કાવ્યધારા..a way of talking

બતાવી દે….

એપ્રિલ 21, 2011 પર 8:10 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,

મિત્રો  ગઝલકાર  કવિ મિત્ર મનહર ગોહિલ  ‘સુમન’ ની એક ગઝલ.. …

ગઝલ

એમ   નૈ   માને  જગત  પરચો બતાવી દે

ભર   બપોરે  સૂર્યને     ઢળતો    બતાવી દે

કર નજરબંધી    નગરના   ચોકની  વચ્ચે

જળ ભરેલા    પાત્રમા   ભળકો  બતાવી દે

શક્યતાનાં   દ્વાર   ખુલ્લાં   હોય    તેથી શું

પહોંચવા    ઇશ્વર સુધી   નકશો બતાવી દે

ભોગ છપ્પન ક્યાં જમે છે  દેવ   પથ્થરના

તું    પ્રભુને    કોળિયો     ભરતો  બતાવી દે

લોક અચરજ પામશે  તારી   કરામતથી

અયનાને    બે ઘડી    રડતો    બતાવી દે

મકંરદ મુસળે

માર્ચ 18, 2011 પર 6:58 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,
જોયેલું હું ભૂલી જઉં ને  બોલેલું કંઇ જાણું નૈ
મારું કામ છે ઇશ્વર જેવું મારું કંઇ ઠેકાણું  નૈ

મિત્રો  ગીતો જ્યારે  લોકભોગ્ય બને ત્યારે વખતજતા એ  લોકગીતોમા  રુપાંતર થાય છે ગઝલના શેર જ્યારે લોકભોગ્ય બને ને ત્યારે એ  કહેવતો બની જાય છે. ઉપર લખેલા શેરના  શિલ્પી ગઝલકાર મકરંદ મુસળે જેઓ જન્મે મરાઠી હોવા છંતા એક નક્ષીદાર ગુજરાતી ગઝલકાર છે. મુશાયરાના મંચ પરથી  મકરંદભાઇને સાંભળ્યા પછી એમ લાગે મિત્રો…. કે  ગુજરાતી ભાષાના શબ્દોના  ઉચ્ચારોનું પ્રભુત્વ દુનિયાની બીજી કોઇ પણ ભાષા કરતા  ઘણું ચઢિયાતુ છે. ઉપર લખેલો શેર મને  ખૂબ ગમતો શેર છે .. આવો મિત્રો. મકરંદમુસળે ની  એક ગઝલ માણીએ

 ફોટો મકરંદભાઇના  આલ્બમમાંથી

પોલાણ  કેટલાં ભર્યા   નક્કર  પહાડમાં

બોલી રહી હતી નદી દરિયાના  કાનમાં

ખોટોય  અર્થ   નીકળે બસ  એ જ બીકથી

મેં  લાગણી મૂકી  દીધી પાછી કબાટમાં

આ બારણું નથી જરા તું ધ્યાનથી નીરખ

ઉઘાડબંધ    થાય  છે    ચહેરો   કમાડમાં

ખિસ્સા  તપાસતાં  જ  પુષ્પગંધ નીકળી

બદનામ  થઇ ગયો પવન આખાય બાગમાં

સામે ય   આવતાં નથી લોકો    ડરી ગયા

જેવું  જડી  દીધું  અમે    દર્પણ લિબાસમાં

સૌજન્ય :ગુલામ અબ્બાસ ‘નાશાદ’ના  ગઝલરસાસ્વાદ આચમન માંથી

ક્યાંથી લાવશો.ખલીલ ધનતેજવી

માર્ચ 16, 2011 પર 5:01 પી એમ(pm) | Posted in મને ગમતી ગઝલો.. | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, મને ગમતી ગઝલોમાની એક ગઝલ.. જેને મુશાયરાના મંચ પરથી ખલીલસાહેબના  પહાડી  અવાજમા   સાંભળી ચુક્યો છું ..  અને…  મિત્રો  એ  તો  જેમણે ખલીલ સાહેબને  મુશાયરામા સાંભળ્યા હોય ને! તે..નેજ  ખબર..અને  આમેય મારો ખલીલ સાહેબ માટેનો પ્રેમ અને પક્ષપાત એતો જાણીતા છે જ. મારા બ્લોગની પ્રસ્તાવના વાંચશો તો આપોઆપ સમજાઇ  જશે ..”માતૃભાષા મહોત્સવ” ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત કવિ સંમેલન વડોદરા તા: ૧૪/૦૩/૨૦૧૧.કાર્યક્રમના  સંચાલક  કવિ શ્રી મકરંદ મુસળેએ  તેમની આગવી  લાક્ષણિકતાથી  શ્રોતાઓને  રસ નીતરતા  અંત સુધી  જકડી રાખેલા.    સિતાંશુ યશશ્ચંદ્ર, ખલીલ ધનતેજવી, હર્ષદ ત્રિવેદી, રશીદ મીર, મકરંદ મુસળે, દિનેશ ડોંગરે ‘નાદાન’ કિર્તિકાંત પુરોહિત,  નીરવ વ્યાસ,  મનહર ગોહિલ ‘સુમન’  રતિલાલ સોલંકી  અને અન્ય કવિઓએ  કાવ્યપઠન દ્વારા  શ્રોતાઓની  ભારોભાર દાદ  મેળવી હતી.  તો આવો મિત્રો ખલીલ સાહેબની  એક  ગઝલને  માણીએ..

માઇક્રોફોન પર  જનાબ ખલીલ ધનતેજવી  તેમના અસલી મિજાજમા

(ફોટો સૌજન્ય:  કવિ શ્રી મકરંદ મુસળે   ના આલ્બમ માંથી)

સુખચેન   તો    કર્તવ્ય   વગર    ક્યાંથી  લાવશો

તમને  દુવા  તો   મળશે   અસર ક્યાંથી લાવશો

બંગલો    તો   ઓછેવત્તે   ગમે   ત્યાં   મળી   જશે

ઘર, ઘર   કહી   શકાય   એ   ઘર ક્યાંથી લાવશો

શત્રુ    તો    ઉઘાડો    છે     છડેચોક            દોસ્તો

મિત્રોને    પારખે  એ    નજર   ક્યાંથી     લાવશો

શંકરની    જેમ   નાગને    મફલર     કરી      શકો

પણ ઝેર પી જવાનું    જિગર    ક્યાંથી    લાવશો

મંજિલ  ‘ખલીલ’  આવશે       રસ્તામા ક્યાંક પણ

સથવારો   હોય  એવી    સફર    ક્યાંથી   લાવશો

ખલીલ સાહેબના  ગઝલસંગ્રહ  ‘સારંશ’ માંથી::::

ગઝલ… ભરત ભટ્ટ ‘પવન’

જુલાઇ 22, 2009 પર 11:24 પી એમ(pm) | Posted in મને ગમતી ગઝલો.. | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો,   ગઝલકાર  અને  કવિમિત્ર  ભરત ભટ્ટ ‘પવન’ આંગળીના વેઢે ગણી શકાય એવા કવિમિત્રો પૈકીનો સદાબહાર  ને કાયમ  હસતા ચહેરાની  મોટી મિલ્કત ધરાવતો    બિંદાસ  પ્રકૃતિ   વાળો    કલમ આશ્રિત સર્જક છે.  ગઝલથી લઇ ટી.વી. સિરિયલો તથા ફિલ્મોના  સંવાદ લખવાની સફર એ કરી ચૂક્યો છે પરંતુ  ગઝલપ્રીતિ  બીજી સર્જનકલા પર હાવી છે એટલું જ નહીં પણ ગઝલમાં એ પોતાની આગવી છાપ ઊભી કરી શક્યો છે.   તો આવો મિત્રો ભરત ભટ્ટ’પવન’ ની ગઝલ માનીયે……..

ગઝલ

દ્રશ્ય  આ  આંખથી  ખમાતું નથી

તાપણું…… કેમ  ઓલવાતું નથી

લાગણી, ભાવના, તડપ એ  બધું

એમના  પત્રમાં     જણાતું   નથી

કાલની વાતની  અસર   સાંભળો

કાલથી  સહેજ પણ  હસાતું નથી

જો   રડો   તો   સૂકી ધરામાં રડો

ક્યાંય   ખાબોચિયું   ભરાતું  નથી

તું કહે  તો  કદાચ  આવીશ  પણ

દોસ્ત  ટેકા  વગર   ચલાતું  નથી

કંઇ   સમસ્યા   નથી   અગાશીમાં

બહુ ‘પવન’છે તેથી જવાતું નથી

ભરત ભટ્ટ  ‘પવન’

મો.  ૯૯૯૮૫૬૯૧૧૯

લખાણ: ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ના

ગઝલ રસાસ્વાદ ‘આચમન’   માંથી

આગામી પૃષ્ઠ »

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: