શું કામ ….????????
October 23, 2011 at 6:49 am | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મારી ગઝલો.. | 3 CommentsTags: ગઝલ, ગુજરાતી સાહિત્ય, ભરત દેસાઇ ' સ્પંદન ', મુશાયરો, રાજેશ વ્યાસ 'મિસ્કીન', શાયરી
મિત્રો, થોડા વખત પહેલા ડૉ. રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ શિકાગો આવેલા ત્યારે રાજેશભાઇને જરા વધારે નજીકથી જાણવાની જીજ્ઞાસા સાથે એક સવારે કોફીના પીવાના બહાને હું અને મારો મિત્ર નિલેશ એમના મુકામે પહોંચી ગયા હતા. ગઝલ- સાહિત્ય બાબતે વાતો કરતા બે અઢી કલાકની ચર્ચાના અંતે મને અંગત રીતે મિસ્કિન સાહેબ એક ગઝલકાર ની સાથે સાથે એક ઉંડા તત્વચિંતક વધારે લાગ્યા.આધ્યાત્મિક પ્રભાવનો પડછયો એમની ગઝલોમા અને વાતોમા સાફ નીતરતો હતો. ગઝલ બાબતે વાતો પર ભાર મૂકતા કહ્યુ કે “ગઝલએ કેવળ શબ્દોના સમૂહ કે પછી છંદ-મીટર અને રદિફ કાફિયાના સ્ટ્ર્ક્ચરથી સંપૂર્ણ નથી પણ આ તમામ વાતો ની સાથે જીવનના મર્મની કોઇ ગહન વાતો ગઝલમા આવે ત્યારે ગઝલનુ તત્વ અને સત્વ સાર્થક થાય અને તો જ શબ્દોની ખૂબસૂરતી માણવાની ગમે બાકી તો એ જ ક્ક્કો અને બારાખડી છે.. આધુનિક ગઝલના નામે કંઇ પણ લખાય છે, તંત્રી અને મંત્રીની રહેનુમા છપાય પણ છે. અને બાકી રહ્યુ તે નેટનું માધ્યમ હાથવગુ છે.સૌ ને માટે ઘરની ખેતી જેવું છે …જે વાવ્યુ અને જે પાક્યુ તે …પોતાનો બ્લોગ હોય એનો મતલબ એ નથી કે કાંઇપણ જાતના સાહિત્યિક ચિંતન વગર સામગ્રી પ્રકાશિત કરવી..! ” મિત્રો રાજેશભાઇની પ્રભાવશાળી વાતો સાંભળતા દંગ રહી ગયો .. અને કદાચ નૈનિકતાનો મહંદઅંશે સ્વીકાર મારે પણ કરવો પડે.. રાજેશભાઇથી છૂટા પડ્યા પછી એક વિચાર મનમા સળવળ્યો …તમને ચોક્કસ એ વિચાર જાણવાની ઇંતેજારી થશે જ અને.. મારે પણ તમને તરત એ વાત કહી દેવાની ” શું કામ…… ??????? ”
ગઝલ……
આપણી વાતો ગઝલમાં કે’વાની..! શું કામ..?
જાતને પોતે ઉઘાડી કરવાની..! શું કામ..?
આડકતરો છે ઇશારો એનો મારી પર જ..!
કોઇ મોઘમ વાત માથે લેવાની..! શું કામ..?
લાગણીઓના વિષય કે વ્યાખ્યા ના હોય..!
દિલ્લગી મારે તને સમજા’વાની..! શું કામ..?
પરવળે જો આબરૂને તો… કર ફાવે તેમ
આ ’ઇચ્છાઓ’ ને દબાવી દેવાની..! શું કામ..?
હેસિયત નૈ પણ અપેક્ષા લોકોની..? ભૈ વાહ..!
આપણે ‘સ્પંદન’ સલામો ભરવાની..! શું કામ..?
અબ ભી મૈં જવાન હું….
October 5, 2011 at 1:40 am | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મારા વિચારો | 1 CommentTags: અતુલ પુરોહિત, ગરબા, ભરત દેસાઇ ' સ્પંદન ', યુનાઇટેડ વે ઓફ બરોડા
મિત્રો, ગુજરાતી સંસ્કૃતિની પરંપરા અને ગુજરાતી ગરબો આજે બંને એકબીજાના પૂરક બની ગયા છે.. નવરાત્રીના નવ દિવસ અદ્યાશક્તિ જગતજનની મા જગંદબાની આરાધનાની સાથે સાથે ગુજરાતીઓ ગરબામા એકરસ થઇ જાય એ સ્વાભાવિક છે … કલાનગરી વડોદરાના ગરબાની ગુજરાતમા એક અલગ એળખ રહી છે એમ મારું અંગત મંતવ્ય નહી પણ લોકચર્ચા ને આધારે કહી શકાય એમ છે. વડોદરા એ મારી કર્મભૂમિ હોવાને નાતે મને પણ નાનપણથી ગરબા રમવા.. ગરબા ગ્રુપમા ગરબા ગાવા ગવડાવા એ મારો શોખ રહ્યો છે. વડોદરાના ગરબા ગાયકો રવિન નાયક, અતુલ પુરોહિત, અચલ મહેતા, નિલેશ પરમાર, કર્ણિક શાહ, મેઘા ભોંસલે… આ તમામ ગાયકોમા અતુલભાઇ પુરોહિત મારા All time Favorite રહ્યા છે. અતુલભાઇ ના ગરબા માટે ગરબાના ખેલૈયા યુવક યુવતીઓ તો આશિક હોય પણ આમ ગુજરાતી જે ને ગરબાના સંગીત, તાલ અને એની રવાનગીને કલાકો સુધી સાંભળવી ગમતી હોય એવા લોકસાહિત્ય અને કલા ના રસીક પ્રોઢ ગુજરાતીઓ પણ અતુલભાઇના અવાજના જાદુથી પૂરેપૂરા વાકેફ છે .. કેવળ અતુલભાઇને Live સાંભળવા માટે ખૂબ જ મોટા પ્રમાણમા કહી શકાય એવી ભીડમા પણ આ કલા રસીકો કલાકો અગાઉથી ગરબાના મેદાન પર પોતાના સ્થાન મેળવવા આતુર હોય છે.અતુલભાઇ ગરબા ગાયકની સાથે સાથે એક કર્મકાંડી બ્રાહ્મણ છે અને જ્યારે એ ગરબા ગાય છે ત્યારે… જાણે પૂરા દિલ થી એ ગરબામા જાન રેડે છે એમ લાગે છે.. આ વાતની અનુભૂતિ તો તમે જાતે જ કરશો જ્યારે પ્રસ્તૃત વીડિયો તમારી આંખે જોશો. નવરાત્રિ આવતા પહેલા લગભગ મહિના પહેલાં અતુલભાઇની ગરબાની ઓડિયો સાંભળવી એ મારી વરસો જુની આદત રહી છે.. બસ આમ જ Youtube લટાર મારી રહ્યો હતો અને ત્યારે સદર વીડિયો ક્લીપમા એક ખાસ વાત નજર પડી… આટલા મોટા ટોળામા પણ હું ’મને’ ઓળખી ગયો.. વાતની સાબિતી કરવા માટે મારી પત્નીને પૂછ્યુ.. ત્યારે મને શ્રીમતિજીએ હસતા હસતા કહ્યુ કે ” ભરત.. માથાની ચમકતી ટાલ પરથી એમ ચોક્ક્સ લાગે છે કે તું જ છે.. ” પછી તો જરા વધારે ધ્યાનથી જોતા ખબર પડી મારી પાછળ મારો મિત્ર અને એની પત્ની પણ ગરબામા હતા. એટલે વાતની ખાત્રી થઇ. મિત્રો.. પણ આ વીડિયો જોઇને લાગ્યુ કે અતુલભાઇ આવાજની ખૂબસૂરતીની સાથે સાથે ”અબ ભી મૈં જવાન હું” વીડિયો કદાચ ૨૦૦૬ ની નવરાત્રિની અથવા એ પહેલાની છે એ વાત ચોક્કસ છે .. કારણ ૨૦૦૭ના મે મહિનાથી હું દરિયાપાર તડીપાર છું.. વીડિયો ક્લીપ Youtube પરથી લીધી છે .. Pl. don’t discard this video. Being a GUJARATI… You will really Enjoy…
વીડિયો ક્લીપમા હું અને મારો મિત્ર અંકિત પટેલ
After 2.03 min. to 2.10min. in between
લેખ પ્રકાશન : દુર્ગાઅષ્ટમી, નવરાત્રી ૨૦૧૧
શિકાગોના સમય મુજબ રાત્રે ૯.૦૦ કલાકે..
ભલા માણસ.. નીરવ વ્યાસ
September 15, 2011 at 4:03 pm | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મને ગમતી ગઝલો.. | 2 CommentsTags: ગઝલ, ગુજરાતી સાહિત્ય, નીરવ વ્યાસ, મુશાયરો
મિત્રો…., મારો કવિમિત્ર નીરવ વ્યાસની મને ગમતી એક ગઝલ .. સાવ સરળ અને બોલચાલની ભાષાને શબ્દો ની સજાવટ દ્વારા ખૂબસૂરતી મળે અને ત્યાર પછી તે સર્જનની મજા ખરેખર બેવડાઇ જતી હોય છે.
ગઝલ…
બધાની પોતપોતાની જ આદત છે ! ભલા માણસ
રડે છે એ ય કે જેના શિરે છત છે ! ભલા માણસ
ખબર એવી’ય છે કે તાજને માથે છે કંઇ જોખમ
અમારું ઝુંપડું પણ ક્યાં સલામત છે? ભલા માણસ
જુબાની નહિ, પુરાવા નહિ, અમારાં કંઇ ખુલાસા નહિ
તમારી તો અજબ આ અદાલત છે! ભલા માણસ
હજારો દાવેદારી છે તમારી થોડી મિલક્તમાં
અમારી પાસે શબ્દોની રિયાસત છે !ભલા માણસ
કહી દો છો ઉઘાડેછોગ ’નીરવ’ જે વિચારો છો
ઘણા લોકોની એવી પણ શિકાયત છે! ભલા માણસ
(શબ્દ સૌજન્ય: ’ધબક’ ગઝલ માસિક માંથી )
સુખ નું સરનામુ.. ડૉ.શ્યામલ મુન્શી
September 12, 2011 at 2:39 pm | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મને ગમતા ગીતો | 2 CommentsTags: ગીત, ગુજરાતી સાહિત્ય, ડૉ.શ્યામલ મુન્શી, મુશાયરો
મિત્રો, રંગમંચનો પ્રભાવ સાંપ્રત સમાજમા વરસોથી રહ્યો છે. ઘટેલી ઘટનાઓ, વાર્તાઓ, નાટકો, નૃત્યનાટિકાઓ, શેર- શાયરી, કવિતા, ગીત, ગઝલ આ તમામ સાહિત્ય અખબારોમા, સામાયિકોમા કે પુસ્તકાલયોની વાંચનસામગ્રીમા જે તે સમયે અથવા સમય જતા મળી આવતું હોય છે. પરંતુ એ જ સાહિત્ય ની અભિવ્યક્તિ કે રજૂઆત જ્યારે રંગમંચના તખ્તા પરથી થાય છે ને ત્યારે .. ! સમાજના બુધ્ધિશાળી વર્ગને તો આકર્ષે છે પણ સાથે સાથે સામન્ય અને સરેરાશ માનવીને પણ સાહિત્યના અને ભાષાના મૂળ, ઊંડાણ અને તત્વ સુધી આવવા મજબૂર કરે છે. મિત્રો .. પ્રસ્તૃત વીડિયો ક્લીપમા જાણીતા કવિ ડૉ.શ્યામલ મુન્શીનુ આ ગીત એમનાજ સ્વરમા મે જ્યારે મુશાયરાના મંચ પરથી સાંભળેલું ત્યારે જ દિલને સ્પર્શી ગયું હતુ અને એટલે જ આ સામગ્રી મારા પૂરતી ન રાખતા તમારી સાથે Share કરું છું. મિત્રો… ગીતના વિષયતત્વનુ બારીકાઇથી ચિંતન કરવાથી આપણને આપણો જ પડછાયો ગીતમા હૂબહુ દેખાઇ આવશે.. આ મારો દાવો નથી.. પણ… વિશ્વાસ છે.. અને જો એમ ના થાય તો.. માનજો કે આપણા ’હોવાપણા’ મા કંઇક ખામી છે.. ગીતનુ શબ્દાંકન એ એમની સશક્ત કલમ અને કવિત્વનો તો પૂરાવો છે જ પણ સાથે સાથે ગીતનું સ્વરાંકન અને એમના અવાજની ખૂબસૂરતી… ક્યા બાત હૈ.. મિત્રો.. આ ત્રણે વાતનો સમન્વય ત્યારે જ શક્ય બને .. જ્યારે .. માનવી બંને હાથ જોડી નતમસ્તકે મા સરસ્વતીના ચરણમા પથરાયો હોય અને મા સરસ્વતીનો હાથ મસ્તક પર ધરાર અડ્ડી ને હોય… મિત્રો.. આ તો મારા દિલની વાચા છે એટલા માટે આટલુ લખી ગયો.. બાકી .. આમ પણ આ મુન્શી ત્રિપુટિ ડો.શ્યામલભાઇ, શૌમિલભાઇ અને આરતીબેન થી ગુજરાતી સાહિત્યજગત ક્યાં અજાણ્યુ છે.. શ્યામલભાઇના કાવ્યપઠન પછી શ્રોતા અને ભાવકોની દાદ … તમે જાતે જ જોઇલો ને…
ડૉ. શ્યામલ મુન્શી
ગીત
સુખ નું સરનામુ આપો…. સુખ નું સરનામુ આપો
જીવનના કોઇ એક પાના પર એનો નકશો છાપો.
સુખ નું સરનામુ આપો…….
સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું
કઇ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું
એના ઘરનો રંગ કયો છે ક્યાં છે એનો ઝાંપો..
સુખ નું સરનામુ આપો…….
ચરણ લઇને દોડું સાથે રાખું ખુલ્લી આંખો
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો
સુખ નું સરનામુ આપો…….
કેટલા ગાંઉ, જોજન, ફલાંગ કહો કેટલું દૂર
ડગ માડું.. કે મારું છલાંગ…. કહો કેટલું દૂર
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઇ માપો
સુખ નું સરનામુ આપો…….
(વીડિયો સૌજન્ય : શિકાગો આર્ટ સર્કલના ભંડોળ માંથી )
ગઝલ મહેફિલ….’મિસ્કીન’ સાથે
September 6, 2011 at 5:41 pm | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો | Leave a commentTags: ગુજરાતી સાહિત્ય, મુશાયરો, રાજેશ વ્યાસ 'મિસ્કીન', Events
મિત્રો, જો તમે શિકાગોલેંડની( Chicago.US.) આસપાસના વિસ્તારમા હો .. તો આ મોકો ચુકી ના જતા ..
ત્યારે એની ખબર પડે છે…
August 29, 2011 at 3:22 am | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારી ગઝલો.. | 8 CommentsTags: ગુજરાતી સાહિત્ય, ભરત દેસાઇ ' સ્પંદન ', મુશાયરો
મિત્રો, ગઝલ વાંચો એ પહેલા એની પૂર્વભૂમિકા જાણશો તો કદાચ એની Impact વધારે આવશે .. ડોલર કમાઇ લેવાની મેરેથોન દોડના ટોળામા હું પણ હતો.. જાતનો વાણિયો.. વેપારતો જાણે અમારો જન્મસિધ્ધ હક્ક.. અમેરિકામા કોઇ ધંધાકીય મોટા સાહસ કરું એવી મારી પાસે ના તો એવી મૂડી… ના બુધ્ધિ… ના તો હિંમત…તો પછી બાકી શું રહ્યુ… મૂળ આપણો હિન્દુસ્તાની કટલરી સ્ટોર કે ગલીનુક્કડનો સુધરેલો પાનનો ગલ્લો.. જે અંહી અમેરિકાની ભાષામા Convenient Store કહેવાય.. એવું નાનકડું સાહસ લઇ બેઠો.. …. અમેરિકામા કદાચ રોજબરોજનું હોઇ શકે પણ મારા જીવનની એ મોટી ઘટના … સાંજનો ખાસી અવરજવર હોય એવો સમય હતો… બે આફ્રિકન Store મા Customer તરીકે આવ્યા.. ક્રિકેટના મેદાન પર મેચ શરુ થતા પહેલા અંપાયર પીચનુ નિરીક્ષણ કરે લગભગ એ જ ખૂબી થી બંન્ને શ્ખ્સીયત ફરીને આખા Storeની મુલાકાત લઇ લીધી અને પછી મારી પાસે Counter સામે આવીને ઊભા ત્યારે મે અમેરિકન ધંધાકીય રિવાજ પ્રમાણે પૂછ્યું ..” You guys need any help..? ” Counter ને લગભગ અડીને Storeનો મુખ્ય દરવાજો હતો . બસ…. આંખના પલકારામાં એકજણે Store નો દરવાજો બંધ કર્યો અને બીજાએ એના પેંટના ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢી મારા કમરના ભાગે રિવૉલ્વર અડાવીને રજિસ્ટર ખોલવા માટે કહ્યું… એણે મને રજિસ્ટર ખોલવાનું કહ્યુ હતું .. પણ મે ગલ્લામા હતા એ બધાજ ડોલર એક પણ ક્ષણના વિલંબ વગર એના હાથમાં મૂકી દીધા અને તદઉપરાંત ગલ્લો (રજિસ્ટર) બતાવીને કહ્યું ” Now I don’t have any more… ” જલ્લાદના મનમા રામ વસ્યો હશે કે શું ખબર નથી … પણ .. કશી દલીલો વગર એને મને ટી-શર્ટના કોલરથી પકડી Store ની અંદરના ભાગમા આવેલી Pantryમા … કોઇપણ્ જાતના શારીરિક નુકશાન વગર પૂરી દીધો.. અઢી મિનિટના આ નાટકીય ખેલમા .. જાન બચી લાખો પાયે.. મિત્રો. જાણકારો.. અને સગાસંબધીઓ ને ક્રમસહ સમયાંતરે જાણ થતી ગઇ.. સરેરાશ બધાનો એકજ મત કે એમા આટલો હોબાળો મચાવાની જરુર નથી .. આ બધુ અહીં રોજનું છે… મારો બધાને એક જ જવાબ હતો.. ” જાતને અનુભવ થાય ને! ત્યારે એની ખબર પડે છે …” મિત્રો.. આજ વાત નવી ગઝલનો મત્લા થૈ ગયો… બાકી પછીતો કવિકર્મ આવે છે … (ઘટના Oct. 18.2010 ના દિવસે બની ..આ ગઝલ Aug.2011 મા લખાઇ છે .. વાતો જુની છે પણ! યાદ તો આવે ને !
ગઝલ
જાતને અનુભવ થાય ને ! ત્યારે એની ખબર પડે છે
ઘાત માથેથી જાય ને ! ત્યારે એની ખબર પડે છે
બેઉ ના સરખા રંગ ને બંન્ને સરખી બિરાદરીના
કાગ - કોયલ ટહુકાય ને ! ત્યારે એની ખબ ર પડે છે
હોય બધુ રાબેતા મુજબ એની તો ભૈ મજા મજા છે
કંઇક અજુગતું થઇ જાય ને ! ત્યારે એની ખબર પડે છે
તાજ.. ને .. આ.. મુમતાઝ ને ‘લૈલા-મજનું’ ખબર બ..ધી પણ
પ્રેમમાં દિલ તરડાય ને ! ત્યારે એની ખબર પડે છે
ખરખરો કરવા કોઇ મૈયતમાં આપ્યો રડી દિલાસો
મોત…ઘરમાં પડઘાય ને ! ત્યારે એની ખબર પડે છે
ગાલગાગા, શબ્દો, વિચારો ,..’સ્પંદન’ પૂરતું નથી…. પણ
તું ગઝલમાં ઠલવાય ને ! ત્યારે એની ખબર પડે છે
કોઇ થ્રીલ માટે વાત ઉપજાવેલી નથી વાત સંપૂર્ણ સત્ય છે હા! Pic. વાતને અનુરુપ ગૂગલ માંથી લીધુ છે
Old is Gold…
August 16, 2011 at 7:45 am | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો | Leave a commentTags: સૂચિબેન વ્યાસ
મિત્રો, સમય સાથે ‘તાલસેકદમ’ ભરનારો ભારતવર્ષનો નાગરિક ‘Professional World’ ના કહેવાતા બધા જ ક્ષેત્રોમા ક્યાંકને ક્યાંક પોતાનું સ્થાન જમાવી ચુક્યો છે…પોતાની વ્યવસાયિક કારકિર્દી અને કહેવાતા સારા ભવિષ્યના તમામ મનોરથ પૂરા કર્યા પછી પણ… ક્યાંક દિલના કોઇ ખૂણામાં કોઇ વાત ડંખે… ક્યાંક કોઇ વાતની ખોટ મહેસૂસ થાય..કહેવાતા તમામ ભૌતિક સુખોને મુઠ્ઠીમા બાંધી લીધા પછી પણ … જો એમ થાય કે … “કદાચ મારી ગઇકાલ સારી હતી..” મને થોડા શેર યાદ આવે છે….
સાવચેતીથી કદમ ઉંચકી અને ચાલ્યા પછી
ક્યાંક પહોંચો અને છંતાય હાશ કહેવાતુ નથી
ડો. મધુમતી મહેતા
મને ખુદ ને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
તને આગળ ને આગળ હું સતત જોયા કરુ અથવા
પ્રયાસોમા કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
શોભિત દેસાઇ
આઘા ક્યાં છે સગાસંબધી ક્યાં મિત્રોની ખોટ પડી છે
કિંતુ બસ એક લીલીસૂકી લાગણીઓની ખોટ પડી છે
ખલીલ ધનતેજવી
મિત્રો, આ તમામ વાતોનો સંદર્ભ તો વીતેલી ગઇકાલ અને આંતરિક મનની શાંતિ ..આ બે વાતો પર આવીને અટકે છે અને આ વાતના એક પ્રયાસરુપે પણ નીચે આપેલી આ વીડિયો ક્લીપ અચૂક માણવા જેવી છે.. Philadelphia ના રહીશ, ગુજરાતી સાહિત્યના ઉંડા અભ્યાસી અને ભાવક સૂચિબેન વ્યાસ પોતે પણ સારા લેખિકા છે.. ટૂંકી વાર્તાઓ અને એમના લેખો માણવા લાયક હોય છે..જીવનના મર્મની અને ગહન વાતો એ એમના લેખનનું જમા પાસું છે … બાકીની વાતો એમની અદાકારીમા સાંભળીયે…
વીડિયો સૌજન્ય: ચિરાગ પટેલ Philadelphia
આદમ થી શેખાદમ સુધી…
August 8, 2011 at 4:53 am | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મને ગમતી ગઝલો.. | 2 CommentsTags: ગઝલ, મુશાયરો, શેખાદમ આબુવાલા
મિત્રો, મને ગમતા શાયરો પૈકીના એક જનાબ શેખાદમ આબુવાલા… બોલચાલની ભાષાને ગઝલની નાનકડી પંક્તિમા શણગારવાનું કામ કરનાર શાયરોમાં શેખાદમ સાહેબનું સ્થાન મોખરે છે એમ કહી શકાય.. જો કે મને એમને જોવા, મળવાનો કે સાંભળવાનો મોકો મળ્યો નથી… આવો એમની એક ગઝલને માણીયે…
માનવી ને આ જગત આદમથી શેખાદમ સુધી !
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી !
રૂપનું રંગીન ગૌરવ, પ્રેમનો લાચાર હાલ-
એ જ છે લાગી શરત આદમથી શેખાદમ સુધી !
મોતને શરણે થવામા સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી !
બુધ્ધિ થાકી જાય તો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરી લત આદમથી શેખાદમ સુધી !
મોતનું બંધન, છતાં કરતો રહ્યો છે માનવી,
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી !
(શબ્દ સૌજન્ય: ગુજરાતી પ્રતિનિધિ ગઝલો – સંપાદક: ચિનુ મોદી)
(ફોટો સૌજન્ય: ફેશબુક આલ્બમ.. ”આ છે હિન્દુસ્તાની” )
હું ને મારી ગઝલો..
August 1, 2011 at 5:41 am | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારી ગઝલો.. | 4 CommentsTags: ગઝલ, ગુજરાતી સાહિત્ય, ભરત દેસાઇ ' સ્પંદન ', મુશાયરો, શાયરી, Events
મિત્રો, વાત અને વિડીયો એકાદ વરસ જુની છે.. યાદો ને દિલમા અને પ્રસંગોને કેમેરામા સાચવવાની મારી આદત વરસો જુની છે. અને એમાનું કંઇક… ક્યારેક જીવનનું સંભારણું બની જાય છે … ગઝલકાર ડૉ. અશરફ ડબાવાલાની કાવ્ય પ્રવૃતિને બિરદાવવા શિકાગો આર્ટ સર્કલના કાર્યકરો દ્વારા તેમના સન્માનમા આયોજીત મુશાયરામાં હું પણ મંચનો નાનકડો હિસ્સો હતો. ગુજરાતી સાહિત્યના મુશાયરાના મોટા ગઝલકારો, ગીતકારો અને કવિઓ શ્રી. ચિનુ મોદી, શ્રી. અનિલ જોષી, શ્રી. વિનોદ જોષી, શ્રી. કૃષ્ણ દવે, ડૉ.શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, આરતી મુન્શી. નોર્થ અમેરિકન લિટરરી ઍકેડેમીના પ્રમુખ શ્રી. રામભાઇ ગઢવી, સાહિત્ય વિવેચક શ્રી.મધુસૂદન કાપડિયા, જાણીતા વાર્તાકાર શ્રી મધુરાય, લેખિકા સૂચિબેન વ્યાસ, ચંદ્રકાંત શાહ અને હા.. ડૉ. ડબાવાલાનું સન્માન હોય અને જાણીતા કવિયત્રી અને એમના પત્ની ડૉ. મધુમતી મહેતા ના હોય એવુ બને…? મિત્રો, આ તમામ દિગ્ગજ સાહિત્યકારોની હાજરીમા કાવ્યપઠન કરવાનો અવસર મળ્યો.. આ વાતને સંભારણું કહેવાય કે નહીં ..? તમે શું કહો છો….?
(1)
બોલુ ના ને મૌન રહું ! તો વાંધો શું છે ?
તો ય તમને પ્રેમ કરું ! તો વાંધો શું છે ?
બામુલાજા, બાઅદબ ! ભૈ વટ પડતો’તો
સ્વપ્નમા સુલતાન બનું ! તો વાંધો શું છે ?
કોઇ સાંજે મેઘધનુષી મદહોશીમા
મયકદામા જામ ભરું ! તો વાંધો શું છે ?
ક્યાં મળે છે રોજ આવા અવસર યારો
હું તમારી જેમ હસુ ! તો વાંધો શું છે ?
શબ્દને શણગારવા ની ધુનમા ‘સ્પંદન’
જો ગઝલ બે ચાર લખું ! તો વાંધો શું છે ?
(2)
હાજરી હોય અંહી જો તમારી ફરક તો પડે
હોય સંગત સનમ ની ગુલાબી ફરક તો પડે
લાગણી, ભાવના, યાદ સુધ્ધા શમી જાય પણ
બસ રહી જાય કોઇ નિશાની ફરક તો પડે
લો તમારી બધી વાત માની ગયા પણ…તમે
વાત ક્યારેક માનો અમારી ફરક તો પડે
જિંદગી છે! બધી જાતના ખેલ કરવા પડે
તું બની જાય સારો મદારી ફરક તો પડે
એ ગઝલ, ગીત, કવિતા કશું પણ હશે ચાલશે
શબ્દની જો અસર થાય ધારી ફરક તો પડે
આપવા છે ખુલાસા વિગતવાર મારે તને
જાણકારી તને હોય સાચી ફરક તો પડે
ભરસભામા ગઝલની રજૂઆત જો તું કરે
દાદ ‘સ્પંદન’ મળે જો બધાની ફરક તો પડે
પૂછવાનું નૈ… કૃષ્ણ દવે
July 25, 2011 at 4:21 am | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો | 1 CommentTags: કૃષ્ણ દવે, ગીત, ગુજરાતી સાહિત્ય, મુશાયરો
મિત્રો, ગુજરાતી મુશાયરાના મંચ પર જેમણે એક અલગ ચીલો ચાતર્યો છે… સાહિત્યની ઊંડાઇ અને ગહન વાતોને બદલાતા જમાનાની તાસીરને અનુરૂપ Sugarcoat કરીને સમાજ અને નવી પેઢી સમજે .. એનું ચિંતન કરે .. અને આપણા સંસ્કારો, આપણી સભ્યતા અને આપણી ખુદ્દારીનું મનોવિજ્ઞાન લોકભોગ્ય બને એજ હેતુસર જેમણે પોતાની સર્જનપ્રવૃતિને વારંવાર ચાકળે ચાઢાવીને ઘાટ આપ્યો છે અને એક સુંદર સર્જન સમાજને આપવાનો સતત પ્રમાણિક પ્રયત્ન કર્યો છે …. હું વાત કરું છું એવા એક સર્જકની .. જેમણે રિઝર્વબેંકની crispy ચલણી નોટો ગણતા ગણતા પણ ( વ્યવસાયિક રીતે રિઝર્વબેંક ના Cashier તરીકે છેલ્લા 29 વરસથી અમદાવાદમા સેવા આપી રહ્યા છે)સાહિત્ય અને કવિતાના વિચારો સ્ફુરે… ને …ત્યારે મિત્રો.. મારે, તમારે અને બધાએ… સંત્રી બની સાદ આપવો પડે…….. સાવધાન……. ખબરદાર……. બામુલાહિજા …….. હોંશિયાર……… આપ સૌના મનોરંજન માટે…….. ખુદના નિજાનંદ માટે……. મુશાયરાના મંચની શોભા.. એવા કવિ અને ગીતકાર માનનીય શ્રી. કૃષ્ણ દવે … પધારી રહ્યા છે….છે એ….એ…..એ…
કૃષ્ણ દવે
ગીત ….
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં,
આપણે તો આવળને બાવળની જાત.
ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં!
ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન
નિંરાતે બેસી જે ભરચક પીવેને એને.. પાલવે આ લીલા.. ગુમાન
રોકે કદાચ…. કોઇ ટોકે કદાચ
તોયે મહેફિલથી કોઇ દિવસ ઉઠવાનું નહીં !
ઉગવાનું હોય…….
આપણેતો એણી એ સમજણ શું રાખવાની, મસ્તીમાં ખરવું કે ફાલવું ?
આપણાતો લીલાછંમ્ લોહીમા લખેલું છે ગમ્મેતે મૌસમમા મ્હાલવું
હસવું જો આવે તો હસવું બેફામ
અને આંસુ જો આવે તો લુંછવાનું નહીં!
ઉગવાનું હોય…….
ઉંડે ને ઉંડે જઇ .. બીજુ શું કરવાનું ?ધરવાનું આપણું જ ધ્યાન
પથ્થરને માટીના ભૂંસી ભૂંસી ને ભેદ કરવાનું લીલું તોફાન
દેખાડે આમ.. કોઇ દેખાડે તેમ ..
તો ય ધાર્યુ નિશાન કદી ચૂકવાનું નહીં!
ઉગવાનું હોય…….
(વિડીયો સૌજન્ય: શિકાગો આર્ટ સર્કલના ભંડોળ માંથી)
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.





